નબળી US બોન્ડ યીલ્ડ અને નબળા અર્થતંત્રના આંકડાઓના કારણે સોનાની કિંમતોમાં રિકવરી આવતા શરૂઆતી કારોબારમાં કોમેક્સ પર ભાવ 1700 ડૉલરની પાસે પહોંચતા દેખાયા હતા, જોકે ત્યાર બાદ થોડું દબાણ બન્યું, જ્યારે સ્થાનિક બજારમાં કિંમતો 50,130 રૂપિયાના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.
ચાંદીમાં રાતોરાત 8 ટકાનો વધારો આવતા વૈશ્વિક બજારમાં ભાવ 20 ડૉલરની પણ ઉપર પહોંચતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં 60,890 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં UNએ સેન્ટ્રલ બેન્કોને વ્યાજ દરમાં વધારો અટકાવવાની વાત કહી જેથી ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, અને પરિણામે સોના-ચાંદીની કિંમતોમાં મજબૂતી જોવા મળી રહી છે.
આવતીકાલે વિએનામાં થનારી OPEC+ની બેઠકમાં 1 mbpd સુધીનો ઉત્પાદન કાપ થાય તેવા અનુમાને ક્રૂડમાં ઉછાળો જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 89 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યા, તો NYMEXમાં 83 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. રાતોરાત ક્રૂડની કિંમતોમાં લગભગ 5 ટકાનો વધારો નોંધાયો, તો ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે પણ ક્રૂડને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લોઅર સર્કિટ સાથે કારોબાર થતા 530ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ, વાસ્તવમાં એક બાજુ USમાં રેકોર્ડ ઉત્પાદન અને બીજી બાજુ દક્ષિણપૂર્વમાં પાવર આઉટેજને કારણે USમાં સ્થાનિક નેચરલ ગેસની માંગ નબળી પડી રહી છે, પરિણામે આજે કિંમતોમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
સ્મેલ્ટર્સ દ્વારા આઉટપુટમાં ઘટાડાના કારણે LME પર એલ્યુમિનિયમની કિંમતોમાં તેજી જોવા મળી, જોકે નબળા અર્થતંત્રના આંકડાઓના કારણે કોપરમાં દબાણ આવતા કિંમતો 2 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ, તો આયર્ન ઓરના ભાવ આશરે 10 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતા જોવા મળ્યા, સ્થાનિક બજારની વાત કરીએ તો ડૉલરમાં નરમાશની પોઝિટીવ અસર મોટાભાગની મેટલ્સ પર જોવા મળી રહી છે.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, એમસીએક્સ કૉટની તેજી વધતા કિંમતો 1 ટકાની તેજી સાથે 32,080 રૂપિયાના સ્તરની આસપાસ પહોંચતી દેખાઈ, તો ગુવાર પેકમાં પણ સારી રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, મસાલા પેકની વાત કરીએ તો જીરા અને ધાણામાં દબાણ છે, પણ હળદરમાં આશરે અડધા ટકાની તેજી જોવા મળી રહી છે. પણ એરંડામાં લગભગ પા ટકાથી વધુનો ઘટાડો દેખાઈ રહ્યો છે.